મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે સોમવારે ધાર જિલ્લામાં સ્થિત ભોજશાળાના વૈજ્ઞાનિક સર્વેક્ષણની મંજૂરી આપી હતી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) છ સપ્તાહની અંદર સર્વે કરવાનું છે. હાઈકોર્ટે 19 ફેબ્રુઆરીએ હિન્દુ ટ્રસ્ટની અરજી પર સુનાવણી કરી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો.
ભોજશાળા એ ASI સંરક્ષિત સ્મારક છે, જેને હિન્દુઓ વાગદેવી (માતા સરસ્વતી)નું મંદિર કહે છે, જ્યારે મુસ્લિમ સમુદાય તેને કમલ મૌલા મસ્જિદ હોવાનો દાવો કરે છે. હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસે 2 મે 2022ના રોજ ભોજશાળામાં નમાજ અદા કરવા સામે અરજી દાખલ કરી હતી. એડવોકેટ વિષ્ણુ શંકર જૈને પુષ્ટિ કરી હતી કે હાઇકોર્ટે કાશીના જ્ઞાનવાપીની જેમ ધારની ભોજશાળામાં સર્વેની મંજૂરી આપી છે.
બે વર્ષ પહેલા હિંદુ ફ્રન્ટ ફોર જસ્ટિસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ASIને વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવવાની માંગ કરવામાં આવી હતી જેથી કરીને સ્પષ્ટ થઈ શકે કે ભોજશાળા ખરેખર મંદિર છે કે મસ્જિદ. અદાલતે અરજદારો દ્વારા પુરાવા તરીકે રજૂ કરાયેલા રંગીન ચિત્રોના આધારે સર્વેની મંજૂરી આપી હતી. અરજદારોએ કોર્ટને જણાવ્યું કે સ્તંભો પર સંસ્કૃતમાં શ્લોકો લખેલા છે. તેમણે કહ્યું કે આ માતા વાગદેવીનું મંદિર છે, જેની મૂર્તિ લંડનના મ્યુઝિયમમાં છે.