હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. હાર્દિક પંડ્યાએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં તેની સફર શરૂ કરી હતી. હાર્દિક 2015 થી 2021 સુધી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો અને તે પછી તેણે 2022 અને 2023 માં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરી હતી. હાર્દિક પંડ્યાની આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં વાપસી થઈ છે, અને તેને ટીમનો નવો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સે આઇપીએલ 2022નું ટાઇટલ જીત્યું હતું જ્યારે 2023માં ગુજરાત ટાઇટન્સ રનર અપ બન્યું હતું. IPL 2024 પહેલા હાર્દિક પંડ્યા અને મુખ્ય કોચ માર્ક બાઉચરે સાથે મળીને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ દરમિયાન બંનેએ રોહિતને લઈને ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યાને પૂછવામાં આવ્યું કે શું તેણે મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળી ત્યારથી રોહિત સાથે વાત કરી છે તો તેનો જવાબ કંઈક એવો હતો જે તમને આશ્ચર્યચકિત કરી દેશે.
હાર્દિક પંડ્યાને પૂછવામાં આવ્યું કે, ‘મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યા પછી તમે રોહિત શર્મા સાથે વાત કરી?’ પંડ્યાએ જવાબ આપ્યો, ‘હા અને ના… તે સતત મુસાફરી કરી રહ્યો હતો.’ જ્યારે હાર્દિકને રોહિતની જગ્યાએ કેપ્ટન બનવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો, ‘રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે, જે મને મદદ કરશે. આ ટીમે જે કંઈ પણ હાંસલ કર્યું છે, તેણે રોહિતની કેપ્ટન્સીમાં હાંસલ કર્યું છે, હું બસ આ સફરને આગળ લઈ જઈશ, મેં મારી આખી કારકિર્દી તેની કેપ્ટનશિપમાં રમી છે, હું જાણું છું કે તેનો હંમેશા મારા ખભા પર હાથ રહેશે.
જ્યારે માર્ક બાઉચરને પૂછવામાં આવ્યું કે શું કેપ્ટન્સીનું દબાણ દૂર થયા બાદ રોહિત શર્મા બેટ્સમેન તરીકે વધુ સારું પ્રદર્શન કરશે? આ અંગે માર્કે કહ્યું, ‘મેં હાલમાં જ તેને ઈંગ્લેન્ડ સામે બેટિંગ કરતા જોયો, તે બોલને ખૂબ સારી રીતે ફટકારી રહ્યો હતો અને સારી લયમાં દેખાતો હતો. રોહિત પર કેપ્ટનશિપનું દબાણ નહીં હોય અને આનાથી તેને વધુ મુક્ત રીતે રમવાની આઝાદી મળશે અને જો તે આવું કરશે તો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઘણી આગળ જઈ શકે છે.