દારૂ કૌભાંડના આરોપી AAP નેતા મનીષ સિસોદિયાની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુનાવણી દરમિયાન CBIએ મનીષ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સીબીઆઈએ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે કેટલાક હાઈપ્રોફાઈલ લોકોની ધરપકડ થઈ શકે છે. તપાસ ચાલી રહી છે અને આરોપી તેને નુકસાન પહોંચાડી શકે છે. મનીષ સિસોદિયા વતી દલીલ કરતાં વરિષ્ઠ વકીલે કહ્યું કે કોર્ટની કાર્યવાહીમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોર્ટની કાર્યવાહી ધીમી ગતિએ ચાલુ રહેશે તો આરોપી ત્રણ મહિના પછી જામીન માટે અરજી કરી શકે છે.
આ પહેલા 14 માર્ચે સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની ક્યુરેટિવ પિટિશન ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધા બાદ સિસોદિયાએ ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી. ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને એસવીએન ભાટીની ડિવિઝન બેન્ચે સિસોદિયાની અરજી ફગાવી દીધી હતી.
દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં આરોપી બનાવવામાં આવેલા મનીષ સિસોદિયા લાંબા સમયથી જેલમાં છે. સિસોદિયા ઉપરાંત આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ પણ આ જ કેસમાં જેલમાં છે. લાંબી પૂછપરછ બાદ CBI દ્વારા મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં આ જ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી EDએ પણ સિસોદિયાની ધરપકડ કરી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે જ સંજય સિંહની ધરપકડ કરી હતી. તેની ધરપકડ પહેલા સંજય સિંહના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી. બંને નેતાઓ પર આ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. જો કે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ દિલ્હીમાં કોઈ પણ પ્રકારના દારૂ કૌભાંડનો ઈન્કાર કરી રહ્યા છે.
દિલ્હીની કેજરીવાલ સરકારે 17 નવેમ્બર 2021ના રોજ નવી દારૂ નીતિ લાગુ કરી હતી. થોડા સમય પછી આ નીતિ વિવાદમાં આવી. દારૂ માફિયાઓને ફાયદો કરાવવા માટે આ નીતિ બનાવવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા. દારૂની નીતિમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ આ પોલિસી પાછી ખેંચવી પડી હતી. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ પૂછપરછ કરવા માંગે છે. EDએ અત્યાર સુધી કેજરીવાલને અનેક સમન્સ મોકલ્યા છે પરંતુ મુખ્યમંત્રી હજુ સુધી તપાસ એજન્સી સમક્ષ પૂછપરછ માટે હાજર થયા નથી.