કુવૈતી સત્તાવાળાઓએ 45 ભારતીય નાગરિકોના મૃતદેહોની ઓળખ કરી છે જેઓ બિલ્ડિંગમાં લાગેલી આગમાં મૃત્યુ પામ્યા હતા. તે જ સમયે, વાયુસેનાનું એક વિશેષ વિમાન 45 ભારતીયોના મૃતદેહોને લઈને કોચી માટે રવાના થયું છે. એમઓએસ કીર્તિવર્ધન સિંહ પણ આ જ વિમાનમાં સવાર છે. કીર્તિવર્ધન સિંહે મૃતદેહોને ઝડપથી પરત લાવવા માટે કુવૈતી સત્તાવાળાઓ સાથે સંકલન કર્યું હતું.
દક્ષિણના શહેર મંગફમાં બુધવારે છ માળની ઈમારતમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 49 વિદેશી કામદારો માર્યા ગયા હતા અને 50 અન્ય ઘાયલ થયા હતા. આ બિલ્ડિંગમાં 196 પરપ્રાંતિય કામદારો રહેતા હતા.
અંગ્રેજી અખબાર ‘અરબ ટાઈમ્સ’ના સમાચાર અનુસાર, કુવૈતના પ્રથમ નાયબ વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને સંરક્ષણ પ્રધાન શેખ ફહદ અલ-યુસેફ અલ-સબાહે જણાવ્યું કે અધિકારીઓએ 48 મૃતદેહોની ઓળખ કરી છે. જેમાંથી 45 ભારતીયો અને ત્રણ ફિલિપિનો નાગરિકો છે.
એક NRI બિઝનેસમેન અને UAE સ્થિત લુલુ ગ્રુપના ચેરમેને દુ:ખદ કુવૈત આગ દુર્ઘટનામાં દરેક મૃતકના પરિવાર માટે પાંચ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે. ભારત સરકાર અને કેરળ સરકારે પણ રાહત ફંડની જાહેરાત કરી છે.
કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ આગની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા અને તેમને ભારત સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. તેઓ પ્રથમ નાયબ વડા પ્રધાન શેખ ફહદને પણ મળ્યા, જેમણે અમીરના વતી શોક વ્યક્ત કર્યો અને તમામ જરૂરી સહાય અને સમર્થન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો.