અમને અમારા રૂ. 37 હજાર કરોડ આપો; સ્ટાલિન સરકાર કેન્દ્ર વિરુદ્ધ SCમાં પહોંચી

લોકસભા ચૂંટણી પહેલા જ તમિલનાડુ અને કેન્દ્ર સરકાર વચ્ચે ફંડને લઈને ચાલી રહેલ ઝઘડો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. તમિલનાડુની એમકે સ્ટાલિન સરકારે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે કેન્દ્ર સરકાર 37 હજાર કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડી રહી નથી, જે કુદરતી આફતથી થયેલા નુકસાનનો સામનો કરવા માટે જરૂરી છે. રાજ્ય સરકારે કોર્ટ પાસે માંગ કરી છે કે તે કેન્દ્ર સરકારને તામિલનાડુને 37000 કરોડ રૂપિયાની રાહત રકમ છોડવા માટે કહે. આ રકમનો ઉપયોગ તાજેતરના પૂર અને ચક્રવાત મિચોંગને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે કરવામાં આવશે.

તમિલનાડુ સરકારની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભંડોળમાં વિલંબ કરવા માટે કોઈ કારણ કે નક્કર આધાર નથી. અન્ય રાજ્યોની સરખામણીએ ફંડ રિલીઝ કરવામાં વિલંબ કરવો યોગ્ય નથી. આ ભેદભાવનું ઉદાહરણ છે. આ એ લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે જેમને આપત્તિ દરમિયાન ભોગ બનવું પડ્યું હતું. એ લોકોને જે નુકસાન થયું છે તેની ભરપાઈ થઈ શકે તેમ નથી, પરંતુ હવે તો રાહત પણ મળી રહી નથી. આ સાવકી માનું વર્તન રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન નીતિનું પણ ઉલ્લંઘન કરે છે. તેના કારણે ટેક્સ ડિસ્ટ્રિબ્યુશનમાં ફેડરલ સ્ટ્રક્ચરના નિયમોનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે.

સ્ટાલિન સરકારે કહ્યું કે રાજ્ય તરફથી અનેક અપીલો છતાં કેન્દ્રએ હજુ સુધી ફંડ બહાર પાડ્યું નથી. રાજ્યએ જણાવ્યું હતું કે ચક્રવાત મિચોંગને કારણે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને રૂ. 19,692 કરોડની માંગણી કરવામાં આવી હતી. આ સિવાય અતિવૃષ્ટિને કારણે ભારે નુકસાન થયું છે અને તે સંકટનો સામનો કરવા માટે 18,214 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. સ્ટાલિન સરકારે કહ્યું કે કેન્દ્રનું આ વલણ રાજ્યના લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. આનાથી રાજ્યના વિકાસમાં અવરોધ ઊભો થાય છે અને લોકોને માનસિક ત્રાસ પણ થાય છે.

Leave a Comment