ગુજરાતની દરિયાઈ સરહદે પોરબંદરમાંથી છ પાકિસ્તાની ઝડપાયા છે. આરોપીઓ પાસેથી 480 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB), ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધર્યું છે.
480 કરોડનું ડ્રગ્સ જપ્ત
ANIના અહેવાલ મુજબ, 6 પાકિસ્તાનીઓ મોટી માત્રામાં ડ્રગ્સ સાથે ઝડપાયા છે. તેમની પાસેથી 480 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ગુજરાત ATS, ભારતીય કોસ્ટ ગાર્ડ અને NCBના સંયુક્ત ઓપરેશનમાં આરોપીઓ ઝડપાયા છે. કોસ્ટ ગાર્ડ, એટીએસ અને એનસીબીએ મળીને અત્યાર સુધીમાં 3,135 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.
350 કિમી દૂર બોટ પકડી
NCB તરફથી મળેલી માહિતી અનુસાર, આ ઓપરેશન 11 અને 12 માર્ચે આખી રાત ચાલ્યું હતું. કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ છ લોકોને લઈ જતી પાકિસ્તાની બોટને અટકાવી હતી. બોટમાં લગભગ 80 કિલો ડ્રગ્સ રાખવામાં આવ્યું હતું, તેની કિંમત અંદાજે 480 કરોડ રૂપિયા છે. પોરબંદરથી આશરે 350 કિમી દૂર અરબી સમુદ્રમાં પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી.
NCBના જણાવ્યા અનુસાર, આ ઓપરેશન ICG, NCB અને ATS ગુજરાત દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં ICG દ્વારા ATS ગુજરાત અને NCB સાથે સંયુક્ત રીતે કરવામાં આવેલી આ દસમી ધરપકડ છે. અત્યાર સુધીમાં 3,135 કરોડની કિંમતનો 517 કિલો નાર્કોટિક્સ જપ્ત કરવામાં આવ્યો છે.