લોકસભા ચૂંટણીની જાહેરાતના બે દિવસ બાદ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. 2022ની વિધાનસભા ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીના ત્રણ નેતાઓ સોમવારે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. આ ત્રણ નેતાઓ ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ મોટી સંખ્યામાં AAP કાર્યકરોને પાર્ટીની સદસ્યતા અપાવી હતી.
ગુજરાતના ગાંધીનગરમાં ભાજપના મુખ્યમથક શ્રી કમલમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં સીઆર પાટીલે AAP શહેર પ્રમુખ જયંતિભાઈ જેઠાલાલ મેવાડાનું ભાજપમાં સ્વાગત કર્યું હતું. તેમની સાથે સેંકડો સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતા. મેવાડા 2022માં અસારવા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. તેમને 12.37 ટકા એટલે કે 15465 વોટ મળ્યા છે. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર દર્શના એમ. વાઘેલા જીત્યા હતા.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી અને ગાંધીનગર ઉત્તર બેઠક પરથી 2022ની વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર મુકેશભાઈ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. પટેલ 16620 મત મેળવીને ચોથા ક્રમે રહ્યા હતા. અહીં પણ ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. મેવાડા અને પટેલની જેમ આમ આદમી પાર્ટીના નેતા દિનેશભાઈ કાપડિયા પણ ભાજપમાં જોડાયા હતા. કાપડિયા દાણીલીમડા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમણે વિધાનસભા ચૂંટણીમાં 23 હજારથી વધુ મતો મેળવ્યા હતા અને ત્રીજા સ્થાને રહ્યા હતા.
આમ આદમી પાર્ટીને આ ફટકો એવા સમયે લાગ્યો છે જ્યારે પાર્ટી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. 15 માર્ચે જ આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ખુદ ગુજરાતની મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં બે બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે અન્ય બેઠકો પર તે કોંગ્રેસને સમર્થન આપી રહી છે.