ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વિપ કર્યું છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે જીતી લીધી હતી. રોમાંચક ટેસ્ટ મેચમાં એલેક્સ કેરીએ બીજા દાવમાં અણનમ 98 રન બનાવ્યા હતા. વિકેટકીપર બેટ્સમેન તરીકે ચોથી ઈનિંગમાં ટીમને જીત તરફ લઈ જતી વખતે કેરીએ આ બાબતમાં રિષભ પંતને પાછળ છોડીને બીજા નંબરનો સર્વોચ્ચ સ્કોર પોતાના નામે કર્યો છે. ઋષભ પંતે ઐતિહાસિક ગાબા ટેસ્ટ મેચમાં અણનમ 89 રન બનાવીને ભારતને જીત અપાવી હતી. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટ હજુ પણ ટોપ પર છે. ગિલક્રિસ્ટે 1999માં આ જ મેદાન પર અણનમ 149 રનની ઇનિંગ રમી હતી.
આ યાદીમાં ચોથા નંબર પર શ્રીલંકાના નિરોશન ડિકવેલા છે, જેમણે 2017માં ઝિમ્બાબ્વે સામે 81 રનની ઇનિંગ રમી હતી અને પાંચમા નંબર પર ઇંગ્લેન્ડનો જોસ બટલર છે. બટલરે 2020માં પાકિસ્તાન સામે 75 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય એલેક્સ કેરીએ અન્ય એક મામલે મોટો રેકોર્ડ બનાવ્યો છે. કેરી ટેસ્ટ મેચમાં 10 કે તેથી વધુ કેચ લેવાની સાથે 100+ રન બનાવનાર માત્ર બીજો ખેલાડી છે. તેના પહેલા આ કારનામું એબી ડી વિલિયર્સે કર્યું હતું. એબીડીએ 2013માં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં આવું કર્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ 2-0થી શ્રેણી કબજે કરીને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું છે. ભારત હજુ પણ ટોચ પર છે જ્યારે ન્યુઝીલેન્ડ ત્રીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવમાં માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 256 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડે બીજા દાવમાં 372 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટે 281 રન બનાવીને મેચની સાથે સાથે શ્રેણી પણ જીતી લીધી હતી.