Thursday, November 28, 2024

૧૦ અને ૧૨ ના પેપરો તજજ્ઞો મારફત તપાસવામાં આવે અને ટ્યુશન પદ્ધતિને પ્રેરતી ઇન્ટરનલ ગુણ પ્રથા બંધ કરવામાં આવે – હેમાંગ રાવલ

ગુજરાતમાં ભાજપ સરકારના રાજમાં કથળતી શિક્ષણ વ્યવસ્થા

એક તરફ ગુજરાત સરકાર પાસે પેપર તપાસવા માટે શિક્ષકોની અછત બીજી તરફ જ્ઞાન સહાયકોને કરાર મુદત બાદ પણ ચૂંટણી જવાબદારી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં રાજ્યભરમાંથી ૧૫.૩૮ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમાં ધોરણ ૧૦ની પરીક્ષા માટે ૯.૧૭ લાખ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ૧.3૨ લાખ તથા સામાન્ય પ્રવાહ માટે ૪.૮૯ લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી. પરંતુ બીજી તરફ જોવા જઈએ તો ધોરણ ૮ ના શિક્ષકો ધોરણ ૧૦ એસએસસી બોર્ડના પેપર તપાસી રહ્યા છે. ગત વર્ષ કરતા એક લાખથી વધારે વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપેલ છે. અંગ્રેજી માધ્યમના પૂરતા શિક્ષકો સરકાર પાસે ન હોવાથી અન્ય શિક્ષકો અંગ્રેજી માધ્યમના બોર્ડના પેપર તપાસી રહ્યા છે.

ગુજરાતના ૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓને અને તેમના પરિવારોને ઉચ્ચ ગુણવત્તાનું મૂલ્યાંકન ન મળે તો તેમને પરિણામમાં મોટો અન્યાય થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

બીજી ગેરરીતિની વાત કરીએ તો મોટાભાગે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓએ પરિણામ વધારવા મનસ્વી રીતે મુલ્યાંકનના નિયમોને નેવે મૂકીને ઇન્ટરનલ માર્ક્સ આપ્યા હોવાનું સામે આવ્યું છે. ધોરણ 10 માં જે 20 ઇન્ટર્નલ માર્કસ હોય છે, તેમાં ગયા વર્ષે શાળાઓએ હોશિયાર વિદ્યાર્થીઓને ટ્યુશન ન રાખતા હોવાથી ઓછા માર્ક્સ આપ્યા હતા અને પોતાના માનીતા વિદ્યાર્થીઓને વધુ માર્કસ આપ્યા હતા તે બાબતે કોંગ્રેસે સાબિતી સાથે ફરિયાદ કરતા શાળાઓની તપાસ કરવામાં આવી હતી અને તેમાં શાળાઓ દોષિત થઈ હતી. પરંતુ, તે પછી કોઈપણ કડક દાખલરૂપ કાર્યવાહી તેમના પર કરવામાં આવી નથી. આ વર્ષે પણ આ જ પ્રમાણે ઇન્ટર્નલ માર્કમાં કૌભાંડ થવાની વકી દેખાઈ રહી છે.

છેલ્લા કેટલાંય સમયથી શિક્ષિત બેરોજગાર યુવાનો કે જેઓએ વર્ષોથી મહેનત કરી છે અને સરકારી શિક્ષક બનવાના સપના સેવી રહ્યાં છે. કપરી પરીક્ષા પાસ કરીને ભરતીની રાહ જોઈ રહ્યાં છે. આ યુવાઓએ વારંવાર રજૂઆત કરી છે. અહીં,વાત છે જ્ઞાનસહાયકોની. એક તરફ સરકાર પાસે ચૂંટણી માટે કામ કરવા માટે પૂરતા શિક્ષકો નથી માટે જ્ઞાન સહાયકોનો તેમાં ઉપયોગ થઈ રહ્યો છે. સરકાર માત્ર તેમનો ઉપયોગ કરી રહી છે.હકીકતમાં, જ્ઞાન સહાયકને વેકેશનમાં છુટા કરવામાં આવનાર હતા અને 5 મેં સુધી જ કરાર આધારિત કાર્ય કરવાના હતા પરંતુ તેમના કરાર બાદ પણ તેમને ચૂંટણીના કાર્યમાં જોતરવામાં આવેલ છે. જો સરકાર પાસે શિક્ષકો હોય જ નહીં અને તેમનજ પાસે આ પ્રકારના કામો વેકેશનમાં પણ લેવાઈ રહ્યા હોય તો આ જ્ઞાન સહાયકોને કાયમી કરવામાં આવે.

ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાયફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. શિક્ષણના બજેટ ફાળવણીમાં કરોડો રૂપિયાના મોટા મોટા દાવાઓ કરતી ભાજપ સરકાર ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રાખી રહી છે. એક તરફ શિક્ષણમાં ક્રાંતિકારી પહેલના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. રાજ્યની ૩૮૦૦૦ સરકારી શાળાઓમાંથી ૫૬૧૨ સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ / બંધ કરવાનું પાપ કરવા આગળ વધતી ભાજપ સરકારમાં ૩૨ હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. ૩૮ હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે. ૧૬૫૭ શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. ૧૪,૬૫૨ શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબુર થવું પડે છે, શું આ રીતે ભણશે ગુજરાત ?

ગુજરાતનું શિક્ષણ બોર્ડ પબ્લિસિટી માટે વારંવાર નવા નવા તઘલખી નિર્ણયો કરતું હોય છે ભૂતકાળમાં શિક્ષકો જોડે તીડ ભગાડવાનો પરિપત્ર,લગ્ન પ્રસંગે જમણવારમાં કેટલી ડીશો થઈ છે તેનો પરિપત્ર, શિક્ષકોએ પોતાનો મોબાઇલ આચાર્યશ્રીને જમા કરાવવાનો પરિપત્ર, બાળકોના વજનથી માત્ર ૧૦% વજનનું દફતર હોવું જોઈએ તેવા પરિપત્ર ઘણીવાર વગર વિચારે કરવામાં આવે છે. પરંતુ આ બધું માત્ર પબ્લિસિટી માટે કરવામાં આવી રહ્યું છે કોઈ પણ પ્રકારનું ઇમ્પ્લીમેન્ટેશન થતું નથી, હકીકત તો એ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓના ડ્રોપાઉટ રેશિયોનો જો સાચો આંકડો બતાવવામાં આવે તો સમગ્ર ભારતમાં સૌપ્રથમ નંબરે આવે.

કોંગ્રેસ પક્ષની માંગ છે કે ધોરણ ૧૦ અને ૧૨ ના પેપરો તજજ્ઞો મારફત તપાસવામાં આવે અને ટ્યુશન પદ્ધતિને પ્રેરતી ઇન્ટરનલ ગુણ પ્રથા બંધ કરવામાં આવે તથા જો જ્ઞાનસહાયકોનો ઉપયોગ ચૂંટણી માટે વેકેશનમાં અથવા કરાર બાદ પણ કરવામાં આવે તો જ્ઞાનસહાયકોને કાયમી કરીને ન્યાય આપવામાં આવે.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Advertismentspot_img

Instagram

Most Popular