સુપ્રીમ કોર્ટે કેરળમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ગેરરીતિ અને અન્ય લોકોના વોટ બીજેપીને ટ્રાન્સફર કરવાના આરોપો પર ચૂંટણી પંચને નોટિસ મોકલી છે. સર્વોચ્ચ અદાલતે પંચને આ ફરિયાદોનું સંજ્ઞાન લેવા જણાવ્યું છે. અરજીઓમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે કેરળના કાસરગોડમાં મોક પોલિંગ દરમિયાન એવું થયું કે દરેક વોટ ભાજપને જ જાય છે. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાએ કમિશનના વકીલને આ અંગે સંજ્ઞાન લેવા કહ્યું હતું.
VVPAT અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર બેન્ચે કહ્યું કે, ‘કેરળના કાસરગોડમાં મોક પોલિંગ કરવામાં આવી હતી. ભાજપને 4 EVM અને VVPATમાં એક વધારાનો વોટ મળ્યો હતો. આ અહેવાલ મનોરમામાં જોવા મળ્યો હતો. આના પર બેન્ચે ચૂંટણી પંચના વકીલ મહિન્દર સિંહને આ અંગે સંજ્ઞાન લઈને એકવાર તપાસ કરવા જણાવ્યું હતું. હકીકતમાં, કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં એવી માંગ કરવામાં આવી છે કે EVM દ્વારા પડેલા તમામ મતોની ચકાસણી VVPAT સ્લિપ દ્વારા કરવામાં આવે. મંગળવારે આ મામલે લાંબી અને રસપ્રદ ચર્ચા થઈ હતી.
આટલું જ નહીં, વકીલ પ્રશાંત ભૂષણે તમામ VVPAT સ્લિપની ગણતરી કરવાની માંગ કરી હતી. તેના પર કોર્ટે કહ્યું હતું કે ભારત જેવા દેશમાં આ કેવી રીતે શક્ય છે. આ અંગે પ્રશાંત ભૂષણે જર્મની જેવા દેશનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે ત્યાં બેલેટ પેપરથી જ ચૂંટણી કરાવવામાં આવે છે. તેના પર જજે કહ્યું હતું કે ત્યાં માત્ર 6 કરોડ નાગરિકો છે. આ માત્ર મારા ગૃહ રાજ્યની વસ્તી છે. આટલું જ નહીં ઈવીએમના બદલે બેલેટ પેપરને લઈને બેન્ચે એમ પણ કહ્યું કે અમે એ યુગ પણ જોયો છે જ્યારે ચૂંટણી બેલેટથી થઈ હતી. તેમણે કહ્યું કે મશીન સાચા પરિણામ આપે છે, જો તેમાં કોઈ માનવીય હસ્તક્ષેપ ન હોય.