જાણીતા ગાયક અને અલગ જ અંદાજમાં પોતાનું ગીત લઈને આવતા દેવ પગલી પણ ભાજપમાં જોડાયા છે. તેણે પાર્ટીમાં જોઈન કરીને તરત જ મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, જે રામના નહી અને જે ભાજપને મત નહિ આપે એ દેશદ્રોહી છે. મોદી, શાહ અને યોગી બ્રહ્મા,વિષ્ણુ અને મહેશનો અવતાર છે. હવે દેવ પગલીનું આ નિવેદન પણ ચારેકોર ચર્ચામાં છે.
એ જ રીતે પોતાની કોમેડીથી લોકોને અલગ જ અંદાજમાં ખડખડાટ હસાવતા હકાભાએ પણ કેસરિયા કર્યા છે. હકાભાએ ભાજપમાં જોડાઈને વાત કરી કે રામને લાવ્યા એટલે ભાજપનો સાથ આપવો પડે. વરસાદ આવવાની પહેલાં પવન આવે એ રીતે હાલ પવન છે. ચૂંટણી પરિણામમાં વરસાદ આવશે. રામને લાવ્યા છે તો રામ 400 પાર કરાવશે. ત્ચારે હાલમાં આખા ગુજરાતમાં હકાભા અને દેવ પગલીના સમાચાર વાયરલ થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI) એ લોકસભા ચૂંટણી સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. લોકસભાની ચૂંટણી સાથે રાજ્યની વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત, વાઘોડિયા બેઠકો માટે મતદાન યોજાશે. ગુજરાતમાં વિધાનસભાની કુલ છ બેઠકો ખાલી છે, પરંતુ ચૂંટણી પંચે જૂનાગઢની વિસાવદર બેઠક સિવાયની પાંચ બેઠકો માટે પેટાચૂંટણી જાહેર કરી છે. આ બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે.
પંચના જણાવ્યા અનુસાર, નોમિનેશન પ્રક્રિયા 12 એપ્રિલથી શરૂ થશે. 19 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ઉમેદવારોના નામાંકન પત્રોની ચકાસણી 20 એપ્રિલે હાથ ધરવામાં આવશે. આ પછી 22મી એપ્રિલે ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. આ પછી, લોકસભા ચૂંટણીની સાથે 7 મેના રોજ આ પાંચ બેઠકો માટે મતદાન થશે. લોકસભા ચૂંટણીની સાથે 4 જૂને મતગણતરી થશે. ગુજરાતની આ વિધાનસભા બેઠકો ધારાસભ્યોના રાજીનામાના કારણે ખાલી પડી છે.